લોકભારતીનું કલાભવન

પૃથ્વીલોકના સર્જનહારે જીવંતતાની સાથોસાથ પ્રકૃતિમાં ઉદારતાથી સુઘડતા, સુંદરતા, લયબદ્ધતા અને વળી તમામ સજીવ-નિર્જીવ ઘટકો વચ્ચેનું પરસ્પરાવલંબન અત્યંત આકર્ષક, રોમાંચક, ન્યાયી અને માણવા-પામવા જેવું મૂકયું છે. જીવ જગતનું વૈવિધ્ય એ પૃથ્વીલોક ઉપર પ્રકૃતિની કૃપા સમાન છે.

તમામ ઘટકો એક બીજાની વિશેષતાઓ માણીને પ્રસન્નતા અનુભવે તેવું કંઈક આયોજન રચયિતાનું હોય તેવી પ્રતીતિ થયા વગર રહેતી નથી.

પ્રકૃતિના અસ્તિત્વનું રહસ્ય તેમાં રહેલી લયબદ્ધતા, સુંદરતા અને વૈવિધ્ય છે. ઘોડિયામાં સૂતા બાળકને ખોયા પર લાગતી એક સરખી લયબદ્ધ થાપટ પણ સલામતી અને આરામ બક્ષી શકે છે ! વરસાદના નેવેથી પડતાં પાંદડાં ઉપરનાં ટીપાંના અવાજથી પણ સુમધુર સંગીત સત્યજીત રે સંભળાવી શકે છે.

ભૌતિક સુવિધાઓ જેટલું જ મહત્ત્વ માણસ માટે અભિવ્યકિતનું છે. જીવન અભિવ્યક્તિઓથી જ જીવી શકાતું હોવાથી તમામ કલાઓમાં સૌથી અઘરી છતાં સર્વશ્રેષ્ઠ કલા કોઈ હોય તો તે જીવન જીવવાની કલા છે. અભિવ્યક્તિ માટે સંગીત, નૃત્ય, ચિત્ર, વાદ્ય, નાટકથી લઈને હવે ફોટોગ્રાફી સુધીની કલાઓ છે.

ગાંધીજીએ કેળવણીના માધ્યમ તરીકે ઉત્પાદક શરીરશ્રમને મહત્ત્વનું ગણાવ્યું જયારે ટાગોરે કલાને પ્રાધાન્ય આપ્યું. આજે સ્પષ્ટ અનુભવાય છે કે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને સાચવી લેવા માટે આ બંને માધ્યમોનો કેળવણીમાં વિવેકપૂર્ણ સમન્વય કરવો અનિવાર્ય છે.

આજના શિક્ષણનું મુખ્ય ધ્યેય શ્રદ્ધાવાન, સંવેદનશીલ નાગરિક બનાવવાનું છે. પરસ્પરનો વિશ્વાસ કેળવીને ચૈતન્યસભર સૃષ્ટિના રચયિતાના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે. આજે આપણને સાથે મરતાં આવડ્યું છે પણ સાથે જીવતાં આવડ્યું નથી. પરસ્પરના વિશ્વાસથી પ્રેમ જન્મે છે અને પ્રાકૃતિક સૌંદર્યને પામવાથી શ્રદ્ધા જન્મે છે.

શિક્ષણની સંસ્થાઓમાં સૌંદર્ય બોધ જાગૃત કરવા માટે ભણાવાતા વિષયો સાથે જે તે કલાનો સહજ રીતે જીવંત અનુબંધ સધાય તે રીતે વિષયોનું શિક્ષણકાર્ય થવું જોઈએ. સૌંદર્યબોધની કલાત્મક કેળવણી વિદ્યાર્થીમાં વિશ્વાસ, શ્રદ્ધા, અભિવ્યક્તિ, સંવેદના, લય, તાલ, ગતિશીલતા અને અંતે જીવનના સત્યનું નિરૂપણ કરે છે. આપણાં શિક્ષણ સંકુલોમાં કલા-શિક્ષણ બાબતે અક્ષમ્ય ઉદાસીનતા પ્રવર્તે છે ત્યારે ટાગોર તો એવું સમજાવે છે કે જો વર્ષમાં એક જ વખત કલામહોત્સવ તમે ઉજવશો તો તમારી શિક્ષણ સંસ્થા ચાર્જ થઈ જશે. સુવિખ્યાત કવિ ગિરધર રાઠી તો ત્યાં સુધી સમજાવે છે કે જે તે ક્ષેત્રનું અંતિમ તબક્કે પહોંચેલું વિજ્ઞાન સ્વયં એક ઉત્તમ કલા છે ! શુદ્ધ સ્વરૂપે પહોંચેલી કોઈપણ કલા સ્વયં પોતે એક વિજ્ઞાન જ છે!!

મનુષ્યના ચેતોવિસ્તારમાં આ તમામ આવિર્ભાવની અભિવ્યક્તિ સંગીત દ્વારા શકય છે; ત્યારે કોમળ, લલિત, ઉદ્દાત, અદ્‌ભુત, ભવ્ય અને ચમત્કૃતિજનક પ્રસંગોને પામવાની પરમશક્તિ પણ સંગીત પાસે જ છે. સંગીતની ઉત્પત્તિ ભલે ગળામાંથી થતી હોય, આસ્વાદ ભલે કાન થકી થતો હોય પણ તેની અસર તો હૃદયમાં થાય છે ! આથી કોઈપણ શિક્ષણ સંસ્થાએ તેના વિદ્યાર્થીઓના હૃદય સુધી જો પહોંચવું હોય તો સંગીત એક ઉત્તમ સાધન અને સાધના છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મુનિ ઉદય વલ્લભ કહે છે તેમ ‘Heart of Education is the Education of the Heart’. સંગીતની ક્ષમતા આધ્યાત્મિકતાના ઉંબરે પહોંચાડવાની હોવા છતાં આજના આધુનિક જમાનામાં એ સર્જનાત્મક, રચનાત્મક, ચિકિત્સા અને ઉત્પાદક ક્ષેત્રે નોંધપાત્ર પરિણામ લાવી શકયું છે. સામાન્ય માણસ માટે માત્ર આનંદ-મનોરંજન માટે ગણાતું સંગીત આપણા માટે તો ગમા-અણગમા, રાગ-દ્વેષ, અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરનાર કેળવણીપથની એ સ્ટ્રીટલાઈટ બની રહે તે જોવાનું છે.

ભૂતકાળમાં કયારેય નહોતી એવી ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત હોવા છતાં માણસ આજે કયારેય નહોતો તેવો અજંપો, નિરાશા, હતાશા અનુભવી રહ્યો છે અને જીવનમાં નકારાત્મકતા, રાગ-દ્વેષ, સ્વાર્થ અને અહંકાર જેવા આવરણોથી ઘેરાઈ ગયો છે. આ બધામાંથી નીકળીને જીવનની પ્રસન્નતા મેળવવા માટે મનુષ્ય માટે કોઈ એક માત્ર સક્ષમ અને છતાં હાથવગું સાધન હોય તો તે છે કોઈને કોઈ એકાદ કલાનું નિજાનંદી વળગણ. આ સંસ્કાર જેટલી નાની ઉમંરથી સંસ્કારિત થાય તેટલો વ્યકિત, પરિવાર, સમાજ અને સર્વાંશે રાષ્ટ્રને ફાયદો જ થવાનો છે. આવા શુભ અને શૈક્ષણિક હેતુથી લોકભારતીએ તેમના શુભેચ્છક સ્વ.શ્રી અનિલભાઈ કામદારની આર્થિક સહાયથી એક કલાકેન્દ્રની સ્થાપના કરી છે. પરિવારના બાળકોથી લઈને તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો વિવિધ પ્રકારની કલા પૈકી કોઈપણ તેમની પસંદગીની કલામાં રસ-રુચિ દાખવીને શીખે-વિકસે તેવો પ્રયત્ન છે.

   

 

Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 1112392